15મી માર્ચ એટલે કે બુલિંગ અને હિંસા સામે પગલા લેવાનો રાષ્ટ્રીય દિવસ છેલ્લા આઠ વર્ષથી 15મી માર્ચે ઓસ્ટ્રેલિયામાં નેશનલ ડે ઓફ એક્શન અગેઇન્સ્ટ બુલિંગ એન્ડ વાયોલન્સ મનાવાય છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાની લગભગ 5726 શાળાઓના 2.4 મિલિયન જેટલા વિદ્યાર્થીઓ આ દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને બુલિંગ તથા હિંસા સામે એકજૂટ થઇને તેની સામે લડત લડવાની શપથ લેશે.
ઓસ્ટ્રેલિયામાં શાળામાં અભ્યાસ કરતા યુવાનોમાં બુલિંગ એટલે કે ધાક-ધમકી અને હિંસા જોવા મળે છે. એક સર્વે પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં દર 5માંથી 1 યુવા વિદ્યાર્થી બુલિંગ તથા હિંસાનો ભોગ બને છે. જ્યારે 3થી 5 ધોરણમાં અભ્યાસ કરતા બાળકોમાં પણ તેનું મહદઅંશે પ્રમાણ જોવા મળ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં આ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બુલિંગ અને હિંસાના પરિણામ, તેની ભોગ બનનાર વ્યક્તિ પર થતી અસર અને જો તેઓ બુલિંગનો ભોગ બનતા હોય તો કેવા પગલા લઇ શકાય તે અંગેની માહિતી મેળવે છે.
![Bullying and violence](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/2_556.jpg?imwidth=1280)
Source: Getty Images
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યમાં શાળામાં અભ્સાસ કરતી વિદ્યાર્થીની તેના સહવિદ્યાર્થીઓ દ્વારા બુલિંગનો ભોગ બની હતી અને તે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને ગણતરીના જ કલાકોમાં જ 70,000 વખત જોવાયો હતો.
વીડિયોમાં જોવા મળ્યા મુજબ, બે વિદ્યાર્થીનીઓ ભોગ બનનાર વિદ્યાર્થીનીને હિંસાની ધમકી તથા તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરી રહી હતી.
ભોગ બનનાર વિદ્યાર્થીનીના પરિવારના જણાવ્યા પ્રમાણે, આ ઘટનાએ તે વિદ્યાર્થીનીને માનસિક રીતે હતાશ અને નિરાશ કરી દીધી હતી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવી પડી હતી.
![Bullying and violence](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/3_473.jpg?imwidth=1280)
A schoolboy bullies a girl as other children watch in the school play yard. Source: Getty Images
આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયાની શાળામાં બનતી બુલિંગ તથા હિંસાની ઘટનાઓ સામે યોગ્ય પગલા લેવાની માંગ વધી હતી. જેના પગલે, સરકારે 17 મિલિયન ડોલરનું ફંડ ફાળવીને પ્રસાર માધ્યમો દ્વારા માતા-પિતા, બાળકો અને શિક્ષકોને ઓનલાઇન સુરક્ષા તથા બુલિંગ અને હિંસા સામે વધુ જાગૃત કરવાના કાર્યક્રમો શરૂ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાના બાળકોની સુરક્ષા અને સલામતી અંગે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના યુવાનો તથા બાળકો સહિત દેશમાં વસવાટ કરતા દરેક વ્યક્તિને પોતાની સુરક્ષાનો હક છે. ઓસ્ટ્રેલિયન સરકાર બાળકોની સલામતી માટે નવા રાષ્ટ્રીય સિદ્ધાંતો અમલમાં મૂકી રહ્યું છે જેના દ્વારા તમામ માતા-પિતાઓને પોતાનું બાળક સુરક્ષિત અને સલામત વાતવારણમાં ઉછરી રહ્યું હોવાનું આશ્વાસન પ્રાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે નવા રાષ્ટ્રીય સિદ્ધાંતો ઓસ્ટ્રેલિયામાં બાળકોનો ઉછેર કરી રહેલી સંસ્થાઓને યોગ્ય માર્ગદર્શન આપશે અને તેમને બાળકોની સુરક્ષા અને સલામતી માટે જાગૃત કરશે.
Anti-bullying resources can be found at www.bullyingnoway.gov.au, www.esafety.gov.au, www.studentwellbeinghub.edu.au and www.beyou.edu.au.