મેલ્બોર્ન સ્થિત ડિજિટલ એજન્સી, ઇન્ટેસોલ્સે 2018 ઇન્ડિયન એક્સીક્યુટીવ ક્લબ દ્વારા આયોજિત સ્મોલ બિઝનેસ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે.
ઇન્ડિયન એક્સીક્યુટીવ ક્લબ એવોર્ડ્સ ભારતીય સમાજના લોકોએ ઓસ્ટ્રેલિયામાં રહીને નાના ઉદ્યોગો સ્થાપીને મેળવેલી સિદ્ધિને એવોર્ડ દ્વારા બિરદાવે છે. જીતેન્દ્ર ભણસાલીની કંપનીએ આ કેટેગરીમાં 15થી પણ વધારે સ્પર્ધકોને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો.
કંપની અન્ય ઉદ્યોગો માટે વેબસાઇટનું નિર્માણ કરે છે અને તેને ગૂગલ સર્ચએન્જિન પર પ્રાધાન્ય મળે તે દિશામાં કાર્ય કરે છે. જેથી તે ઉદ્યોગને યોગ્ય ટ્રાફિક મળી રહે છે.
વિદ્યાર્થીથી એવોર્ડ જીતવા સુધીની સફર
જીતેન્દ્ર ભણસાલી 14 વર્ષ અગાઉ સ્ટુડન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. તેમણે મેલ્બોર્નની RMIT યુનિવર્સિટીમાંથી Msc (IT) નો અભ્યાસ કર્યો હતો. પોતાની કંપની સ્થાપ્યા અગાઉ જીતેન્દ્રએ કેટલીક કોર્પોરેટ બિઝનેસ કપંનીઓમાં નોકરી કરી હતી.
ઓસ્ટ્રેલિયામાં તેમની સફર અંગે જીતેન્દ્રએ જણાવ્યું હતું કે, "મેં Msc (IT)નો અભ્યાસ કર્યો અને ત્યાર બાદ નાની ડિજિટલ કંપનીમાં નોકરી કરી. તેમાં નોકરી કરવાથી મને ઘણો ફાયદો થયો હતો. મેં ટેક્નોલોજી અંગેની મારી પ્રતિભા અહીં જ વિકસાવી હતી."
"મેં ટોચની કોર્પોરેટ કંપનીમાં કેટલાક વર્ષો સુધી નોકરી કરી હતી પરંતુ તેનાથી મને સંતોષ થતો નહોતો. હું હંમેશાં મારી પોતાની કંપની શરૂ કરવા માંગતો હતો."
"2010માં, મેં મારી કંપની રજીસ્ટર કરાવી હતી અને ત્યાર બાદ 2 વર્ષ સુધી માર્કેટનો અભ્યાસ કર્યો. 2012માં, મેં કંપની શરૂ કરી હતી," તેમ જીતેન્દ્રએ જણાવ્યું હતું.
છ વર્ષના કાર્ય બાદ કંપનીમાં 51 કર્મચારીઓ છે અને સમગ્ર ઓસ્ટ્રેલિયામાં 450થી પણ વધારે ગ્રાહકોને તેમણે સર્વિસ પૂરી પાડી છે.
નેટવર્કિંગ માટે સેલ્ફ-હેલ્પ ગ્રૂપ
જીતેન્દ્ર અને બીજા અન્ય બિઝનેસ દ્વારા 30 સભ્યોનું એક સેલ્ફ-હેલ્પ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. તેઓ નવા બિઝનેસ અને યુવા આંત્રપ્રિન્યોરને બિઝનેસ માટેની યોગ્ય ટીપ્સ તથા સલાહ આપે છે.
આ વર્કશોપનું આયોજન દર મહિને થાય છે જેમાં ગોલ નક્કી કરવા, સેલ્સ તથા માર્કેટિંગને લગતા મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે.
ધ્યેયને વળગી રહો અને મહેનત કરો
જીતેન્દ્રએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ પાસે એક ધ્યેય હોવો જોઇએ જે સમાજને ઉપયોગી થઇ શકે. ધ્યેયને વળગી રહો અને તેને હાંસલ કરવા માટે મહેનત કરો.
ઓસ્ટ્રેલિયામાં તેમના અનુભવો દ્વારા જીતેન્દ્ર જણાવે છે કે દરેક બિઝનેસે તેના શરૂઆતના વર્ષોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડે છે પરંતુ યોગ્ય ધ્યેય અને તેને હાંસલ કરવાના વલણ સાથે જ સફળતા મળે છે.