ઓસ્ટ્રેલિયામાં ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું તે એક ઝટીલ અને ખર્ચાળ પ્રક્રિયા બની શકે છે.
સૌ પ્રથમ આંખની ચકાસણી દ્વારા આ ટેસ્ટનો પ્રારંભ થાય છે ત્યાર બાદ ડ્રાઇવરના જ્ઞાનનો ટેસ્ટ લેવાય છે.
ન્યૂ સાઉથ વેલ્સના રહેવાસીઓ માટે ડ્રાઇવર નોલેજ ટેસ્ટ અરેબિક, ચાઇનીસ, ક્રોએશિયન,ગ્રીક, કોરિયન, સર્બિયન, સ્પેનિશ, તુર્કીસ તથા વિયેતનામિસ ભાષામાં ઉપલબ્ધ છે.
જો તમારી ભાષા તે યાદીમાં નથી તો તમે દુભાષિયાની મદદ લઇ શકો છો. ન્યૂ સાઉથ વેલ્સમાં ડ્રાઇવિંગ પ્રશિક્ષક જ્યોર્જ હેની જણાવે છે કે, “ડ્રાઇવર નોલેજ ટેસ્ટમાં રસ્તાના નિયમો આવરી લેવામાં આવે છે. આ પરીક્ષામાં બેસતા પહેલા તેની તૈયારી કરવા માટે તેઓ એક પુસ્તક ખરીદી શકે છે અથવા ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ માહિતીઓ વાંચી શકે છે. આ પરીક્ષામાં પાસ થયા બાદ તેઓ પોતાના પરિવારના સભ્ય અથવા ડ્રાઇવિંગ પ્રશિક્ષક પાસેથી વાહન ચલાવવાની ટ્રેનિંગ મેળવી શકે છે. હું ડ્રાઇવિંગ પ્રશિક્ષક પાસેથી કાર ચલાવતા શિખવાની સલાહ આપું છું જેથી શરૂઆતથી જ યોગ્ય નિયમોની જાણકારી મળી રહે.”
ડ્રાઇવર નોલેજ ટેસ્ટ પાસ કર્યા બાદ ડ્રાઇવરને L પ્લેટ આપવામાં આવે છે. ત્યાર બાદ ડ્રાઇવર રોડ પર ડ્રાઇવિંગ કરવાનું પ્રશિક્ષણ મેળવી શકે છે.
હેની જણાવે છે કે ડ્રાઇવિંગ ક્લાસની સંખ્યા શિખાઉ ડ્રાઇવર કેટલી ઝડપથી ડ્રાઇવિંગ શીખી શકે છે તેની પર રહેલી છે.
“મારા અનુભવ પ્રમાણે 5થી 15 ક્લાસ પૂરતા છે. જો કોઇના પરિવારમાં સંપૂર્ણ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો કોઇ વ્યક્તિ હોય અને તે કાર ચાલવતા શીખવામાં મદદ કરે તો ક્લાસની સંખ્યા ઘટી શકે છે.”
કામચલાઉ કે સિમિત લાઇસન્સ માટેની પ્રાયોગિક પરીક્ષાની પ્રક્રિયા કરતા પહેલાં શીખાઉ ડ્રાઇવરે ખતરાની સમજ પડે તે માટેની જરૂરી પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે.
મોટાભાગના રાજ્યો તથા ક્ષેત્રોમાં 25 વર્ષથી નાના યુવા ડ્રાઇવર્સે પૂર્ણ લાઇસન્સ ધરાવતા અથવા પ્રશિક્ષક પાસેથી 50થી 120 કલાક સુધીની ટ્રેનિંગ લીધી હોવી જરૂરી છે.
દરેક રાજ્યો તથા ક્ષેત્રોમાં કાર ચલાવવાના કલાકો અલગ અલગ હોય છે.
જરૂરી સિમિત સમય પૂરો થઇ ગયા બાદ કારચાલક પૂર્ણ લાઇસન્સ માટે અરજી કરી શકે છે. પરિપક્વ ડ્રાઇવરને સામાન્ય રીતે તેઓ ડ્રાઇવિંગની પરીક્ષા પાસ કરી લે ત્યાર બાદ આ પ્રકારના નિયમો અનુસરવા પડતા નથી.
“ડ્રાઇવિંગની પરીક્ષામાં સામાન્ય રીતે ટ્રાફિક લાઇટની સમજ, ઉંધા પાર્કિંગ તથા લેન બદલવા પર ભાર મૂકવામાં આવે છે.”
નક્કી કરેલા કેટલાક દેશના નાગરિકોને જો તેમની પાસે તે દેશનું પૂર્ણ લાઇસન્સ હોય તો તેઓ ઓસ્ટ્રેલિયા આવ્યાના ત્રણ મહિનાની અંદર તેને ઓસ્ટ્રેલિયન લાઇસન્સમાં ફેરવવા માટેની અરજી કરી શકે છે.
ફક્ત તાસ્માનિયામાં જ ડ્રાઇવરે તેને ઓસ્ટ્રેલિયાના વિસા મળ્યા ત્યાર બાદ ત્રણ મહિનાની અંદર ઓસ્ટ્રેલિયન લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા કરવી પડે છે અને વિક્ટોરિયામાં, વિસા મળ્યા કે દેશમાં પ્રવેશ્યાના છ મહિનાની અંદર લાઇસન્સ માટેની પ્રક્રિયા કરી દેવી પડે છે.
જો કોઇ ડ્રાઇવર નક્કી કરેલા દેશ વિનાના કોઇ દેશમાંથી આવતો હોય તો તેણે ઓસ્ટ્રેલિયામાં આવ્યાના પ્રથમ ત્રણ મહિનાની અંદર જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવો જરૂરી છે.
હેનીના જણાવ્યા પ્રમાણે, અનુભવી ડ્રાઇવર પણ અહીંના સ્થાનિક માર્ગ નિયમો અનુસરવામાં થાપ ખાઇ જાય છે.
તે જણાવે છે કે, “અહીંના ટ્રાફિકના નિયમો કેટલાક લોકો માટે તદ્દન અલગ છે. તે રોડની બીજી તરફ ચલાવે છે. અવલોકન મહત્વનું છે. તેઓ રોડની બાજુમાં જોવા તથા તમે કેવી રીતે રોડની બાજુએ જુઓ છો તેની ચકાસણી કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે ચાર રસ્તા કાપી રહ્યા હોવ અને લીલા રંગની લાઇટ હોય ત્યારે પણ તમારે રસ્તાની બંને તરફ જોવું પડે છે.”
હેનીના જણાવ્યા પ્રમાણે વિદેશી લાઇસન્સધારકો અહીંનું લાઇસન્સ લીધા પહેલા પ્રેક્ટિકલ ક્લાસ લેવાનું પસંદ કરે છે જેથી કોઇ બિનજરૂરી બનાવ ટાળી શકાય.
“જો કોઇની પાસે વિદેશી લાઇસન્સ છે અને તેઓ ટેસ્ટમાં બેસે અને નાપાસ થાય તો તેઓ રોડ પર વાહન ચલાવી શકતા નથી. RMS (Roads and Maritime Services) તેમને શિખાઉ લાઇસન્સ આપે છે જોકે તેઓ તેમની જાતે રોડ પર કાર ચલાવી શકતા નથી. તેમની સાથે હંમેશાં કોઇ એક વ્યક્તિ કે જેની પાસે પૂર્ણ લાઇસન્સ છે તેણે બાજુમાં બેસીને ધ્યાન રાખવું પડે છે. તેથી જ કોઇ વ્યક્તિ કે જે વિદેશી લાઇસન્સ ધરાવે છે તેણે પ્રથમ વખતમાં જ આ ટેસ્ટ પાસ કરવો જરૂરી બને છે નહીં તો તેમણે L ધારણ કરવો પડે છે.”
દરેક વ્યક્તિ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ક્લાસ પરવડે તેમ હોતા નથી અને મિત્રો કે પરિવારના કોઇ સભ્ય પાસેથી ટ્રેનિંગ પણ લઇ શકે તેમ નથી હોતું.
લોગન ખાતેની સામાજિક સંસ્થા ક્વિન્સલેન્ડની ટોલ કંપની ટ્રાન્સર્બનના સહયોગથી વ્હીલ પ્રોગ્રામ નામની એક યોજના ચાલવી રહી છે. આ પ્રોગ્રામ અંતર્ગત આશ્રિત તથા સ્થળાંતરિત મૂળમાંથી આવતી મહિલાઓને 10થી 20 જેટલા પ્રેક્ટિકલ ક્લાસ આપવામાં આવે છે.
આ પ્રોગ્રામની મેનેજર કેની ડ્યુકે અફઘાનિસ્તાન, બર્મા તથા સોમાલિયામાંથી આવતી મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો અનુભવ્યો છે.
“અમે અનુભવ્યું હતું કે જે મહિલાઓ આ સમાજમાંથી આવે છે તેમને રોડ પર ફક્ત માર્ગદર્શનની જ જરૂર નથી હોતી પરંતુ તેઓ ક્લાસ લઇ શકે તે માટેની સુવિધા પૂરી પાડવી પણ જરૂરી છે. તેમાંથી કેટલીક મહિલાઓ એકલી માતા છે અને લાઇસન્સ મેળવવું તેમની પ્રાથમિકતા નથી હોતી પરંતુ નોકરી મેળવવા માટે તે જરૂરી હોય છે."
"પ્રાથમિકતા એટલે, તેમની પતિ તથા બાળકો માટે લાઇસન્સ મેળવવું જરૂરી હોઇ શકે છે પરંતુ માતાઓ તેમ માને છે કે લાઇસન્સ તેમના માટે શક્ય નથી.”
અફઘાનિસ્તાનમાં જન્મેલા બેહનાઝ સાદેઘી તેમના જીવનનો મોટાભાગનો સમય ઇરાનમાં વિતાવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી લોગનમાં સ્થાયી થયા છે.
ત્રણ બાળકોની માતા એવા સાદેઘીએ મહિલાઓ માટેના વ્હીલ પ્રોગ્રામ દ્વારા પ્રશિક્ષણ લીધું તે અગાઉ ક્યારેય ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની પરીક્ષા માટે અરજી કરી નહોતી.
“મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું પરંતુ એક દિવસ મારા મિત્રએ મને કહ્યું હતું કે તું એક દિવસ કાર ચલાવી શકીશ અને તે મારી સાથે બન્યું. હું ખૂબ જ ખુશ છું.”
સાદેઘીએ મહિલા પ્રશિક્ષક પાસેથી 14 લાઇસન્સ લીધા બાદ કામચલાઉ લાઇસન્સ મેળવ્યું છે. કોઇની પણ મદદ લીધા વિના કાર ચલાવવાથી તેને હવે જીવનમાં ઘણી નવી તકો મળે તેવી સંભાવના છે.
“મારા માટે નોકરી કરવી ખૂબ જ જરૂરી હતી અને હવે હું મારા બાળકો માટે કાર ચલાવી શકું છું. મારી જિંદગીમાં ઘણો મોટો ફેરફાર આવ્યો છે.”
એક્સેસ કમ્યુનિટી સર્વિસના સીઇઓ ગેઇલ કેરના જણાવ્યા પ્રમાણે કાર ન હોવી કે લાઇસન્સ ન હોવાથી લોકો નોકરી મેળવવાથી વંચિત રહી જાય છે.પરંતુ, જે લોકોને ક્લાસ પરવડી શકે તેમ નથી તેવા લોકો માટે વ્હીલ જેવા અનેક પ્રોગ્રામ દેશના જુદા જુદા રાજ્યો તથા ક્ષેત્રોમાં ચાલતા હશે.
“જો લોકો સામાજિક સેવાની વેબસાઇટ પર જાય તો તેઓ પ્રોગ્રામની માહિતી મેળવી શકે છે. તેઓ તમારા રાજ્યમાં કઇ સેવા ઉપલબ્ધ છે તેની જાણકારી આપી શકે છે. આ ઉપરાંત FECCA - the Federation of Ethnic Communities Council Australia પાસે પણ પોતાની વેબસાઇટ છે તેઓ તેમની રાજ્યની અન્ય સંસ્થાઓ સાથે જોડાણ કરી આપી શકે છે.”