કર્મચારીઓને ઓછું વેતન ચૂકવ્યાની રેસ્ટોરન્ટ્સ સામે ફરિયાદ

ફેર વર્ક ઓમ્બુડ્સમાને હોબાર્ટ સ્થિત ભારતીય ટેક-અવે ફૂડ બિઝનેસ સામે કર્મચારીઓને ઓછું વેતન ચૂકવવાના આરોપસર ફેડરલ સર્કિટ કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી, બ્રિસબેન સ્થિત ફાસ્ટ ફૂડ ઉદ્યોગ પર નોટિસના ઉલ્લંઘન બદલ કાર્યવાહી.

Representational image of Indian food

Representational image of Indian food Source: Pixabay

ફેર વર્ક ઓમ્બુડ્સમાને તાસ્મેનિયાના હોબાર્ટ સ્થિત એક ભારતીય રેસ્ટોરન્ટ સામે તેના કર્મચારીઓને ઓછા વેતનની ચૂકવણીના આરોપ બદલ તપાસ હાથ ઘરી છે.

હોબાર્ટની હેરિંગ્ટન સ્ટ્રીટ ખાતે આવેલી 'લિટલ ઇન્ડિયા' રેસ્ટોરન્ટના માલિક સતચિથાનાનન્થા એન ચેલિયાહ અને માહેસ્વરી તુલસેરામ પર આ આરોપ મૂકવામાં આવ્યા છે.

તેમની પર રેસ્ટોરન્ટમાં નોકરી કરતા 17 કેઝ્યુઅલ કર્મચારીઓને ગેરકાયદેસર રીતે ઓછું વેતન ચૂકવી કુલ 63,065 ડોલરની ગેરરીતિ કરવાનો આરોપ છે.

ફેર વર્ક ઓમ્બુડ્સમાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત 18 અને 20 વર્ષની ઉંમર ધરાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
Representational image of a worker working in a restaurant.
Representational image of a worker working in a restaurant. Source: EPA
ફેર વર્ક ઓમ્બુડ્સમાનના સાન્દ્રા પાર્કરે જણાવ્યું હતું કે કર્મચારીઓની ફરિયાદના આધારે 'લિટલ ઇન્ડિયા' સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે તમામ વેપાર - ઉદ્યોગોએ તેમના કર્મચારીઓને નિયમ અંતર્ગત વેતન ચૂકવવું જરૂરી છે. જો તેમ નહીં કરવામાં આવે તો તેમની સામે કાયદાકિય પગલા લેવાઇ શકે છે.

તપાસ અધિકારીઓએ નોંધ્યું હતું કે ફાસ્ટ ફૂડ ઇન્ડ્રસ્ટ્રી એવોર્ડ 2010 હેઠળ કર્મચારીઓને ન્યૂનત્તમ વેતન, કેઝ્યુઅલ લોડીંગ, વીકેન્ડ અને જાહેર રજાના દિવસે પેનલ્ટી રેટ અંતર્ગત ચૂકવણી કરવામાં આવી નહોતી.

વ્યક્તિગત રીતે 270 ડોલરથી 15,224 ડોલર સુધીની ગેરરીતિ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ મામલાની વધુ સુનવણી ફેડરલ સર્કિટ કોર્ટ હોબાર્ટ ખાતે 3જી ડિસેમ્બર 2020ના રોજ થશે.

બ્રિસબેન સ્થિત ફાસ્ટ ફૂડ ઉદ્યોગ સામે પણ ફરિયાદ

ફેર વર્ક ઓમ્બુડ્સમાને કર્મચારીને ઓછું વેતન મળ્યાની ફરિયાદ બાદ બ્રિસબેન સ્થિત ફાસ્ટ ફૂડ ઉદ્યોગ સામે તપાસ હાથ ધરી છે.

બ્રિસબેનની ફોર્ટીટ્યૂડ વેલી ખાતે રિદ્ધી સિદ્ધી પ્રાઇવેટ લિમિટેડ 'વેજે રામા' નામથી ફાસ્ટ ફૂડનો વેપાર કરે છે.

એપ્રિલ 2018થી ઓગસ્ટ 2019 સુધી કેઝ્યુઅલ કિચનહેન્ડ તરીકે કાર્ય કરનારા કર્મચારીએ ફેર વર્ક ઓમ્બુડ્સમાનમાં મદદ માટે વિનંતી કરતા વેપારના ડિરેક્ટર રુચિકા શર્મા સામે તપાસ હાથ ધરવામાં આવી છે.

ફેર વર્ક ઓમ્બુડ્સમાને ફાસ્ટ ફૂડ ઇન્ડ્રસ્ટ્રી એવોર્ડ 2010 પ્રમાણે, કર્મચારીને નિયમ અંતર્ગત પગાર ચૂકવણી નહીં કરવા બદલ રિદ્ધી સિદ્ધીને એપ્રિલ 2020માં નોટીસ આપી હતી.
representational Image.
Representational image of the Indian food Source: EyeEm: Getty Images
ફરિયાદમાં જાણવા મળ્યા પ્રમાણે, ટેમ્પરરી વિસાધારક નેપાળનો નાગરિક અઠવાડિયાના 50થી 60 કલાક સુધી કાર્ય કરતો હતો.

ફેર વર્ક ઓમ્બુડ્સમાને નોંધ્યું હતું કે, નોટિસ મળ્યા બાદ પણ કંપનીએ કર્મચારીને તેનું બાકી રહેલું વેતન ચૂકવ્યું નહોતું.

આ ઉપરાંત, વેપારે તપાસ અધિકારીઓને ખોટા રેકોર્ડ્સ તથા ખોટી પે-સ્લિપ દર્શાવી હતી. જેમાં કર્મચારીના કાર્યના કલાકો તથા તેને ચૂકવવામાં આવેલા પગારના તદ્દન ખોટા આંકડા રજૂ કર્યા હતા.

રુચિકા શર્મા પર ફેર વર્ક ઓમ્બુડ્સમાનને ખોટી માહિતી તથા નોટિસના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ફેર વર્ક ઓમ્બુડ્સમાન કંપની તથા માલિક બંને પર ખોટી માહિતી આપવા બદલ અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારશે. કંપની અને રુચિકા શર્મા પર નોટિસ પ્રમાણે પગલા ન લેવા બદલ અનુક્રમે મહત્તમ 31,500 ડોલર અને 6300 ડોલરનો મહત્તમ દંડ થઇ શકે તથા પે-સ્લિપ સહિતની દરેક ખોટી માહિતી આપવા બદલ મહત્તમ 63,000 ડોલર અને 12,600 ડોલરનો દંડ થઇ શકે છે.

કંપનીને કર્મચારીનું વેતન, સુપરએન્યુએશન અને વ્યાજ સહિતની ચૂકવણી કરવા માટે પણ કોર્ટ આદેશ આપે તેવા પ્રયત્ન થઇ રહ્યા છે.

આ અંગેની વધુ સુનવણી 12મી ફેબ્રુઆરી 2021ના રોજ ફેડરલ સર્કિટ કોર્ટ બ્રિસબેન ખાતે હાથ ધરવામાં આવશે.

કર્મચારીઓ અને નોકરીદાતા વધુ માહિતી માટે www.fairwork.gov.au અથવા ફેર વર્ક ઇન્ફોલાઇનનો 13 13 94 પર સંપર્ક કરી મફતમાં સલાહ અને મદદ મેળવી શકે છે. દુભાષિયાની સહાયતા માટે 13 14 50 પર સંપર્ક કરી શકાય છે.


Share
Published 1 December 2020 1:56pm
Updated 1 December 2020 2:26pm
By SBS Gujarati
Source: SBS

Share this with family and friends