હાલમાં કેટલાક ઓસ્ટ્રેલિયન્સને ઓસ્ટ્રેલિયન સરકારની myGov વેબસાઇટના નામથી એક ઇમેલ મોકલવામાં આવી રહ્યો છે.
જેમાં જણાવવામાં આવે છે કે તમે સરકારની નવી સ્કીમ અંતર્ગત 180 ઓસ્ટ્રેલિયન ડોલરનું ટેક્સ રીટર્ન મેળવવાને પાત્ર બન્યા છો.
આ ઇમેલમાં જણાવ્યા પ્રમાણે, તમામ પ્રકારની તપાસ કર્યા બાદ અમે તમારા વર્ષ 2019 માટેનો ઇન્કમ ટેક્સ સરભર કરી રહ્યા છીએ. તમને કોઇ ઓળખથી સંબંધિત છેતરપીંડીથી બચાવવા માટે અમારે તમારી ઓળખની તપાસ કરવી પડશે. અને ત્યાર બાદ તમને નાણા પ્રાપ્ત થશે.
આ નાણા 21 દિવસની અંદર પ્રાપ્ત થશે તેમ ઇમેલમાં જણાવવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયન કમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશનના સ્કેમવોચે આ મેઇલનો પર્દાફાશ કર્યો હતો અને તેને ટ્વિટર દ્વારા છેતરપીંડીની નવી રીત તરીકે પ્રસ્તુત કર્યો હતો.
ધ ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમન સર્વિસીસ પણ ઓસ્ટ્રેલિયાના નાગરીકોને સરકારના કોઇ વિભાગ દ્વારા સંપર્ક કરાયો હોવાના નકલી ઇમેલ, ફોન, મેસેજથી બચવા માટે અપીલ કરી રહ્યો છે.
ડીપાર્ટમેન્ટના મીડિયા હબના જણાવ્યા પ્રમાણે, કોઇ પણ નાગરિકને વ્યક્તિગત ઇમેલ કે મેસેજ પર લિન્ક મોકલવામાં આવતી નથી. અને, તેમને myGov એકાઉન્ટ પર જ સુરક્ષિત લિન્ક પર મેસેજ મોકલાય છે.
તેથી જ, આ વ્યક્તિગત ઇમેલ એકાઉન્ટ પર આવતા ઇમેલ અને મેસેજ પર પોતાની માહિતી આપવાથી બચવું જોઇએ.
ઇમેલ – મેસેજમાં કેવી માહિતી માંગવામાં આવે છે
- છેતરપીંડીવાળા ઇમેલ કે મેસેજમાં લોકો પાસે તેમની વ્યક્તિગત માહિતી માંગવામાં આવે છે.
- પૈસા મોકલવા માટે જણાવાય છે.
- પાસવર્ડ કે બેન્ક એકાઉન્ટ્સની વિગતો પણ મંગાવાય છે
- આ ઉપરાંત, કોઇ પણ સર્વિસ વાપરી હોવાનું જણાવીને નાણા ભરવા માટે પણ કહેવાય છે.