ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી વિસ્તારમાં આગામી 13 દિવસ એટલે કે 20 ડીસેમ્બરથી 1લી જાન્યુઆરી 2020 સુધી વાહન ચલાવતી વખતે કોઇ પણ પ્રકારની ભૂલ કરવામાં આવશે તો ડબલ ડીમેરીટ પોઇન્ટ્સ કપાશે.
જેમાં ઓવર સ્પીડ, સીટ બેલ્ટ, મોટરસાઇકલ પર હેલ્મેટ ન પહેરવું તથા વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા જેવા ગુના સામેલ છે.
વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા બદલ 344 ડોલરનો દંડ તથા 10 ડીમેરીટ પોઇન્ટ્સ કપાઇ શકે છે. સામાન્ય રીતે નિર્ધારીત ઝડપથી 45 કિલોમીટર કે તેથી વધુની ઝડપે જો વાહન ચલાવવામાં આવે તો છ ડીમેરીટ પોઇન્ટ્સ કપાતા હોય છે પરંતુ 13 દિવસના સમયગાળામાં 12 ડીમેરીટ પોઇન્ટ્સ કપાશે.
13-15 ડીમેરીટ પોઇન્ટ્સ ભેગા થયા બાદ છ મહિના સુધી લાઇસન્સ રદ થશે જ્યારે 16થી 19 ડીમેરીટ પોઇન્ટ્સ અને 20થી વધુ ડીમેરીટ પોઇન્ટ્સ પર અનુક્રમે ચાર અને પાંચ મહિના સુધી લાઇસન્સ રદ થશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં પર ન્યૂ સાઉથ વેલ્સ પ્રમાણે જ ડીમેરીટ પોઇન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે.
જોકે, 11 ડીમેરીટ પોઇન્ટ્સ મેળવ્યા બાદ જ ડ્રાઇવરનું લાઇસન્સ રદ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રોવિશનલ ડ્રાઇવર્સ પણ જો ડીમેરીટ પોઇન્ટ્સ મેળવશે તો તેમનું લાઇસન્સ ત્રણ મહિના સુધી રદ થશે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યમાં 20મી ડીસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી ડબલ ડીમેરીટ પોઇન્ટ્સ કપાશે. જેમાં ડ્રીક ડ્રાઇવિંગ ઉપરાંત, સીટ બેલ્ટ ન બાંધવો, રેડ લાઇટનું ઉલ્લંઘન કરવું, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોન પર વાત કરવી, જોખમભર્યું ડ્રાઇવિંગ કરવા જેવા ગુના સામેલ છે.
Image
ક્વિન્સલેન્ડ
ક્વિન્સલેન્ડમાં રજાના સમયગાળા દરમિયાન ડબલ ડીમેરીટ પોઇન્ટ્સ સિસ્ટમ લાગૂ કરવામાં આવી નથી પરંતુ એક જ પ્રકારની ભૂલ બે વખત કરવામાં આવે તો ડબલ ડીમેરીટ પોઇન્ટ્સ કપાઇ શકે છે.
જો કોઇ ડ્રાઇવર 12 મહિનાના સમયગાળામાં એક જ પ્રકારની ભૂલ બે વખત કરતા ઝડપાય તો તેને ડબલ ડીમેરીટ પોઇન્ટ્સ ભોગવવા પડશે.
અન્ય રાજ્યોની પરિસ્થિતી
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા, નોધર્ન ટેરીટરી, તાસ્માનિયા અને સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યમાં ડબલ ડીમેરીટ પોઇન્ટ્સ લાગૂ નહીં
વિક્ટોરીયા રાજ્યમાં ડબલ ડીમેરીટ પોઇન્ટ્સ લાગૂ કરવામાં આવ્યા નથી પરંતુ ડીમેરીટ પોઇન્ટ્સની મર્યાદા ન્યૂ સાઉથ વેલ્સ કરતાં એક પોઇન્ટ્સ ઓછી રાખવામાં આવી છે. 11 ડીમેરીટ પોઇન્ટ્સ મેળવ્યા બાદ લાઇસન્સ રદ થાય છે.
આ રાજ્યોના ડ્રાઇવર્સ અન્ય રાજ્યોમાં જો ડ્રાઇવિંગ કરે તો તેમણે જે-તે રાજ્યોના ડબલ ડીમેરીટ પોઇન્ટ્સના નિયમને ધ્યાનમાં રાખવો પડશે.