ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોના નાગરિકોને નોકરી - ધંધાના સ્થળ પર આવવા અને ઘરે જવા માટે લાગતા સમયમાં સતત વધારો થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની હાઉસહોલ્ડ, ઇન્કમ અને લેબર ડાયનામિક્સ (HILDA) સંસ્થાએ કરેલા એક સર્વે પ્રમાણે વર્ષ 2002માં નોકરીના સ્થળ પર આવવા-જવા માટે સરેરાશ 3.7 કલાકનો સમય લાગતો હતો જે 2017માં 4.5 કલાક સુધી પહોંચી ગયો હતો.
2017માં ઓસ્ટ્રેલિયાના મોટા શહેરો સિડની, મેલ્બર્ન, બ્રિસબેન, એડીલેડ, પર્થ જેવા શહેરોમાં રહેતા નાગરિકોને દેશના અન્ય વિસ્તારોના નાગરિકો કરતા નોકરીના સ્થળ પર આવવા-જવા માટે વધારે સમય વિતાવવો પડે છે.
ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોમાં દરરોજ અપ-ડાઉન કરવામાં 66 મિનિટ જેટલો સમય લાગે છે. જે વર્ષ 2002માં 55 મિનિટ જેટલો હતો.
Image
મોટા શહેરોમાં નોકરીએ જવા-આવવા માટે લાગતો સમય (2017)
- સિડની 71 મિનિટ
- બ્રિસબેન 67 મિનિટ
- મેલ્બર્ન 65 મિનિટ
- પર્થ 59 મિનિટ
- એડિલેડ 56 મિનિટ
નોધર્ન ટેરીટરીમાં રહેતા લોકો દરરોજ 35 મિનિટ જેટલો સમય મુસાફરીમાં પસાર કરે છે.
સમય વધવાનું કારણ
છેલ્લા એક દશકમાં ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોનો વિકાસ થયો છે. શહેરોની વસ્તી વધતા રોડ પર ટ્રાફિક જામની સમસ્યા વધી છે અને કામધંધાના સ્થળ પર જવા-આવવાના સમયમાં વધારો થયો છે.
Image
નોકરી પર અસર
સર્વેના તારણ પ્રમાણે, જે નાગરિકોને મુસાફરી માટે દરરોજ સરેરાશ બે કલાક જેટલો સમય લાગે છે. તેઓ નોકરીના લાંબા સમય તથા વેતનથી સંતુષ્ટ જણાતા નથી અને મહેનતના પ્રમાણમાં વેતન ન મળતું હોવાના વિચારના કારણે તેઓ એક વર્ષથી ઓછા સમયમાં જ નોકરી છોડી દે છે.
ઇત્તર પ્રવૃત્તિ માટે ઓછો સમય
વિવિધ અભ્યાસના પરિણામ જણાવે છે કે નોકરી – ધંધા પર આવવા કે જવાના લાંબા સમયના કારણે લોકો નોકરી સિવાયની અન્ય ઇત્તર પ્રવૃત્તિ માટે ઓછો સમય ફાળવી શકે છે. કસરત, પરિવાર સાથે સમય, અન્ય સામાજિક કાર્યો કરવામાં ઓછો સમય આપતા હોવાના કારણે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ પર પણ આડઅસર પડી રહી છે.