એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઇથી નવી દિલ્હી જાય તે પહેલા ફ્લાઇટની એક એરહોસ્ટેસ વિમાનમાંથી નીચે પડી જતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બની હતી.
આ ઘટના સોમવારે બની હતી જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI 864 મુંબઇથી નવી દિલ્હી જાય તે પહેલા એરહોસ્ટેસ એરક્રાફ્ટના L5 દરવાજાને સીડી સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી હતી અને તેનું સમતુલન ખોરવાઇ જતા તે પ્લેનમાંથી નીચે પડી ગઇ હતી.
NDTV માં પ્રસિદ્ધ થયેલા એક રીપોર્ટ પ્રમાણે એર ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ એક કમનસીબ ઘટના છે. અમારા કેબિન ક્રૂ હર્ષા લોબો બોઇંગ 777 એરક્રાફ્ટનો દરવાજો બંધ કરતી વખતે નીચે પડી ગયા છે.
53 વર્ષના એરહોસ્ટેસને પગમાં ઘણી ઇજા પહોંચતા તેમને મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ANI એ કરેલી એક ટ્વિટમાં ડોક્ટર્સે જણાવ્યું હતું કે, હર્ષા લોબોની હાલત સ્થિર છે અને તેઓ પ્રત્યુત્તર આપી રહ્યા છે. તેમના જમણા પગમાં સર્જરી કરવાની જરૂર છે તે આગામી દિવસોમાં કરવામાં આવશે.
આ પ્રથમ વખત નથી કે એરલાઇનના કોઇ સભ્યને ઇજા પહોંચી હોય. આશરે ત્રણ વર્ષ પહેલાં મુંબઇ એરપોર્ટ પર એર ઇન્ડિયાના એક એન્જિનીયરનું એન્જિનમાં ફસાઇ જવાથી પર મૃત્યું થયું હતું. પોઇલોટે ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા અપાયેલા સિગ્નલે ખોટી રીતે સમજીને એન્જિન શરૂ કરી દેતા આ ઘટના બની હતી.
હાલમાં જ એક અઠવાડિયા પહેલાં, ત્રિચીથી દુબઇ જઇ રહેલું વિમાન ટેક-ઓફ વખતે એરપોર્ટની દિવાલ સાથે અથડાઇ જતા તેને નુકસાન થયું હતું. તેમ છતાં પણ તે વિમાન ત્રણ કલાક સુધી હવામાં ઉડતું રહ્યું હતું. જોકે ત્યાર બાદ તેને મુંબઇ એરપોર્ટ પર સુરક્ષિત ઉતારાયું હતું. વિમાનમાં 130 પેસેન્જર્સ તથા છ ક્રૂના સભ્યો હતા.