રોબર્ટ ગોર્ડન મેન્ઝીઝ, પાર્ટીના પ્રભાવશાળી નેતા
લિબરલ પાર્ટી ઑફ ઑસ્ટ્રેલિયાએ દેશને કેટલાક પ્રભાવશાળી નેતા આપ્યા છે અને તેમાનું સૌથી મોટું નામ છે સર રોબર્ટ મેન્ઝીઝ. માનવામાં આવે છે કે, ભાગ્યે જ કોઈ ઑસ્ટ્રેલિયને આ દેશના રાજકારણમાં ભૂતપૂર્વ લિબરલ વડા પ્રધાન રોબર્ટ મેન્ઝીઝ કરતાં વધુ પ્રભાવ પાડ્યો છે.
રાજકીય પક્ષ સ્થાપી સૌથી લાંબા ગાળા માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પદે રહેનારા રોબર્ટ ગોર્ડન મેન્ઝીઝનો જન્મ વિક્ટોરિયામાં 20મી ડિસેમ્બર 1894માં થયો હતો.
તેમણે 1939 થી 1941 સુધી અને ત્યાર બાદ 1949 થી 1966 સુધી એટલે કે કુલ 18 વર્ષ પાંચ મહિના માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી હતી.
યુરોપમાં બીજા વિશ્વ યુદ્ધનો ભય તોળાઈ રહ્યો હતો ત્યારે તેમણે યુનાઈટેડ ઑસ્ટ્રેલિયા પાર્ટીની કરી હતી અને એ જ પક્ષના નેતા તરીકે 1939માં વડાપ્રધાન તરીકેનો તેમનો પ્રથમ કાર્યકાળ શરૂ થયો.
1944માં લિબરલ પાર્ટીની સ્થાપના
મેન્ઝીઝે 1944 લિબરલ પાર્ટીની સ્થાપનામાં મદદ કરી ત્યારે ઓસ્ટ્રેલિયામાં અમલી ઇમિગ્રેશન રીસ્ટ્રીક્શન એક્ટ એટલે કે 'વ્હાઇટ ઑસ્ટ્રેલિયા પોલિસી' ને ભારપૂર્વક સમર્થન આપ્યું હતું .
લિબરલ પાર્ટીનું બીજું મોટું નામ - માલ્કમ ફ્રેઝર
1975થી 1983 સુધી લિબરલ નેતા અને પ્રધાનમંત્રી રહ્યા. જોકે, તેમણે દેશની સૌથી કુખ્યાત રાજકીય ઘટનાનો લાભ લઇ વડાપ્રધાનનું પદ મેળવ્યું હતું.
વિપક્ષ નેતા તરીકે તેમણે લેબર વડાપ્રધાન ગોફ વ્હીટલામના દરેક બજેટ પ્રસ્તાવને સંસદમાં અટકાવ્યું હતું, જેને પગલે ઓસ્ટ્રેલિયાના સંવિધાન મુજબ ગવર્નર જનરલે વ્હીટલામને આપેલું પ્રધાનમંત્રી બનવાનું નિમંત્રણ પાછું ખેંચી ફ્રેઝરને વચગાળાના પ્રધાનમંત્રી તરીકે સ્થાપિત કર્યા અને નવી ચૂંટણીઓ જાહેર કરી.
જેમાં, માલ્કમ ફ્રેઝર વિશાળ બહુમતીથી વિજયી બન્યા હતા.
ફ્રેઝર સરકારના કાર્યો
- આર્થિક રૂઢિવાદ પરંતુ સામાજિક રીતે ખૂબ પ્રગતિશીલ યોજનાઓ
- અનેક સરકારી સેવાઓના ખર્ચમાં કાપ
- દેશમાં ખાનગીકરણનું પ્રમાણ વધાર્યું
- ખાણ ઉદ્યોગ પર ટેક્સ ઘટાડ્યા અને મોંઘવારી ઘટાડવાના પ્રયાસ
- લેબરના ફેમિલી કોર્ટના પ્રસ્તાવને આગળ ધપાવ્યો
આ દેશમાં આવનાર નવા માઇગ્રન્ટ્સને ઓસ્ટ્રેલિયા વિષે તેમની ભાષામાં માહિતગાર કરવા SBSની સ્થાપના પણ માલ્કમ ફ્રેઝરની સરકારે કરી હતી.
જ્હોન હોવર્ડ – 11 વર્ષ સુધી પ્રધાનમંત્રી પદે રહ્યા
1996થી 2007 સુધી પ્રધાનમંત્રી પદે રહેલા જ્હોન હોવર્ડે પોતાના કાર્યકાળમાં ઓસ્ટ્રેલિયાને સૌથી કડક બંદૂક માલિકીના કાયદા આપ્યા. આ ઉપરાંત, એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેઇટ આઇલેન્ડર કમિશનને નાબૂદ કર્યું અને આશ્રય શોધનારાઓ માટે ઓસ્ટ્રેલિયાની ઑફશોર પ્રોસેસિંગ સિસ્ટમની રચના કરી.
11 મી સપ્ટેમ્બરનાં આતંકવાદી હુમલા પછી જોન હોવર્ડએ ઇરાક અને અફઘાનિસ્તાનમાં યુનાઇટેડ સ્ટેટ્સના આગેવાની હેઠળના યુદ્ધોમાં ઓસ્ટ્રેલિયાને સામેલ કર્યું હતું.
2007માં જોન હોવર્ડ કેવિન રુડના નેતૃત્વ હેઠળની લેબર પાર્ટી સામે ચૂંટણી હારી ગયા હતા.
ટોની એબોટના નેતૃત્વમાં ૨૦૧૩માં ફરી એક વાર લિબરલ સરકાર
વર્ષ 2013માં લિબરલ પાર્ટી સત્તામાં આવી અને ટોની એબોટ દેશના પ્રધાનમંત્રી બન્યા. તેમને સપ્ટેમ્બર 2015માં માલ્કમ ટર્નબુલ દ્વારા પક્ષના નેતૃત્વ માટે પડકાર ફેંકી વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા.
ઑગસ્ટ 2018 માં બીજી વાર લિબરલ પાર્ટીના નેતૃત્વ માટે પડકાર ફેંકયો જેમાં ટર્નબુલે પોતે લિબરલ નેતૃત્વ અને પ્રધાનમંત્રી પદ ગુમાવ્યું
ઓગસ્ટ 2018માં સ્કોટ મોરિસન પ્રધાનમંત્રી બન્યા
સ્કોટ મોરિસન ઓગસ્ટ 2018માં વર્તમાન લિબરલ સરકારની બીજી મુદતમાં ત્રીજા અને ઓસ્ટ્રેલિયા માટે દસ વર્ષમાં સાતમાં વડાપ્રધાન બન્યા.
૧૮મી મેં ને રોજ યોજાનાર ઓસ્ટ્રેલિયાની કેન્દ્રીય ચૂંટણીમાં લિબરલ પાર્ટી સ્કોટ મોરિસનના નેતૃત્વમાં ચૂંટણી લડશે.