સિડનીમાં સ્થાયી ગુજરાતી પરિવારના પ્રયત્નોના કારણે શહેરના વેસ્ટમીડ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં Cystic fibrosis (સિસ્ટીક ફાઇબ્રોસીસ) ના દર્દીઓ માટે આગામી સમયમાં અદ્યતન સુવિધાઓ સાથેનો એક અલગ વોર્ડ બનશે. જે અંતર્ગત પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન તથા આરોગ્ય મંત્રી ગ્રેગ હન્ટે 65 મિલિયન ડોલરનું ફંડ ફાળવવાની જાહેરાત કરી હતી.
રાણા પરિવારના પ્રયત્નોનું પરિણામ
દિવ્યેશભાઈ અને મીનળબેન રાણાના દીકરા ડો મલય રાણાને જન્મ સાથે જ સિસ્ટીક ફાઇબ્રોસીસ નિદાન થયું હતું. તેની દૈનિક સારવાર અને ફીઝીયોથેરેપી સાથે મલયભાઇએ MBBSનું ભણતર અને અનેક સંશોધન કાર્યોમાં યોગદાન આપ્યું હતું.૨૮મી એપ્રિલ ૨૦૧૫ના રોજ વેસ્ટમીડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. CF માટે એક અલાયદો વોર્ડ બનાવવો મલયભાઇનું સ્વપ્ન હતું. અને એ દિશામાં તેમણે કામ પણ શરૂ કર્યું હતું.
Source: Supplied
ડો.મલયના મૃત્યુ બાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમનું સિસ્ટીક ફાઇબ્રોસીસના કારણે નહીં પરંતુ હોસ્પિટલમાં દર્દીને સહારો આપી શકે તેવા સ્ટાફ અને યોગ્ય સુવિધાના અભાવના કારણે મૃત્યુ થયું હતું.
ડો. મલયના મૃત્યુ બાદ રાણા પરિવારે હોસ્પિટલમાં સિસ્ટીક ફાઇબ્રોસીસના દર્દીઓ માટે એક અલગ વોર્ડ બને અને દર્દીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે વિવિધ સ્તર પર રજૂઆતો કરી હતી અને લગભગ ચાર વર્ષના તેમના પ્રયત્નો બાદ શનિવારે સરકારે વેસ્ટમીડ હોસ્પિટલમાં સિસ્ટીક ફાઇબ્રોસીસથી પીડાતા દર્દીઓ માટે 65 મિલિયન ડોલરના ફંડથી અલગ વોર્ડ બનાવવાની જાહેરાત કરી હતી.
Image
રાણા પરિવારની હાજરીમાં જાહેરાત
શનિવારે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન તથા આરોગ્ય મંત્રી ગ્રેગ હન્ટની સિસ્ટીક ફાઇબ્રોસીસ માટેના ફંડની જાહેરતના કાર્યક્રમમાં રાણા પરિવારને ચીફગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી તથા ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય મંત્રી બ્રેડ હઝાર્ડ સાથે મુલાકાત કરી હતી.પોતાના પુત્રની યાદમાં બનનારા વોર્ડ અંગે રાણા પરિવારે જણાવ્યું હતું કે મલયની ઇચ્છાશક્તિ તથા માર્ગદર્શનના કારણે સિસ્ટીક ફાઇબ્રોસીસના દર્દીઓને સુવિધા મળી રહે તે દિશામાં પોતાનો ફાળો આપી શક્યા તેનો આનંદ છે.
Source: Supplied
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હન્ટે સિસ્ટીક ફાઇબ્રોસીસ યુનિટની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, આ યુનિટ મલય રાણા તથા તેમના પરિવાર સહિત સિસ્ટીક ફાઇબ્રોસીસથી પીડાતા તમામ દર્દીઓને સમર્પિત છે.
પ્રધાનમંત્રીએ ડો. મલય રાણાને યાદ કર્યા
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ચાર વર્ષ પહેલા સિસ્ટીક ફાઇબ્રોસીસના કારણે મૃત્યુ પામેલા મલય રાણાને યાદ કરી પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સિસ્ટીક ફાઇબ્રોસીસથી પીડાતા બાળકો અને વયસ્ક દર્દીઓને અપાતી સારવારમાં તફાવત હોય છે, તમામ ઉંમરના દર્દીઓને વિશેષ સારવાર તથા સુવિધા મળી રહે તે અમારી પ્રાથમિકતા છે અને તેથી જ વેસ્ટમીડ ખાતેની હોસ્પિટલમાં સિસ્ટીક ફાઇબ્રોસીસને સમર્પિત ઓસ્ટ્રેલિયાનો સૌ પ્રથમ યુનિટ સ્થપાશે.
વોર્ડમાં સ્પેશ્યલ રૂમ અને રીસર્ચ સુવિધાઓ
65 મિલિયન ડોલરના ફંડથી નિર્માણ થનારા સિસ્ટીક ફાઇબ્રોસીસના યુનિટમાં 16 સિંગલ રૂમ, ચાર અલગ રૂમ, નિદાન તથા રીસર્ચ કરી શકાય તે માટેની સુવિધાઓ ઉપબલ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, સિસ્ટીક ફાઇબ્રોસીસના દર્દીઓને યોગ્ય સારવાર આપી શકાય તે માટેના નિષ્ણાત ડોક્ટર્સ અને નર્સની નિમણૂક કરાશે.