ઓસ્ટ્રેલિયામાં દહેજપ્રથા અને તેના કારણે સ્ત્રી સાથે થતા દુર્વ્યવહાર વિષે સેનેટની એક સમિતિએ પોતાની તપાસ કરી રિપોર્ટ અને ભલામણો પ્રકાશિત કરી છે.
ઓસ્ટ્રેલિયામાં કૌટુંબિક હિંસા, હત્યા અને આત્મહત્યાના બનાવો પાછળ દહેજની માંગણી જવાબદાર હોવાનું સમિતીએ કબુલ્યું છે છતાં, તેનો ઉકેલ લાવવા માટેના કોઇ ચોકકસ કાયદાની ભલામણ કરી નથી.
દહેજ આર્થિક સતામણી પણ ફેમિલી લો એક્ટમાં સમાવેશ નહીં
મહિનાઓ સુધી દહેજનો ભોગ બનેલી સ્ત્રીઓ, તેમના કેસ લડતા વકીલો અને તેની સામે લડતી સામાજિક સંસ્થાઓએ સેનેટ તપાસ સમિતી સમક્ષ અનેક કિસ્સા વર્ણવ્યા હતા.તમામ પાસાઓ ધ્યાનમાં લઇ સમિતિએ પોતાનો રીપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, દહેજ એક પ્રકારની આર્થિક સતામણી કહેવાય પરંતુ તેને ઘરેલું હિંસાને લગતા ફેમિલી લો એક્ટમાં સમાવી શકાય નહીં.
Representational image of an Indian wedding. Source: Moment Open
હાલમાં, ફેમિલી લો એક્ટમાં દહેજના દુરુપયોગનો કોઈ ઉલ્લેખ નથી અને ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા જ એકમાત્ર રાજ્ય છે જેમાં કૌટુંબિક હિંસાના ઉદાહરણ રૂપે કાયદામાં દહેજનો દુરપયોગ સામેલ છે.
અહેવાલમાં સમિતિ એ પણ સૂચન કર્યું હતું કે કેન્દ્રીય સરકાર હાલના કાયદાને યોગ્ય બનાવવા દેશના રાજ્યો અને પ્રદેશો સાથે મળીને કામ કરે.કમિટી અધ્યક્ષ સેનેટર લુઇસ પ્રેટએ જણાવ્યું હતું કે, "પૂછપરછમાં જાણવા મળ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં દહેજનો મોટા પાયે દુરુપયોગ થઇ રહ્યો છે."
Labor Senator Louise Pratt. Source: AAP
"વિદેશમાં રહેતી કેટલીય યુવતીઓને અહીં રહેતા પોતાના ભાવિપતિના એકાઉન્ટમાં નાણા જમા કરવા મજબૂર કરવામાં આવે છે અને ત્યારબાદ તે વ્યક્તિ નાણા લઇને ભાગી જાય છે."
નોન-ફેમિલી ટેમ્પરરી વિસાની ભલામણ
સ્ટુડન્ટ કે સ્પાઉસ (Spouse) જેવા ટેમ્પરરી વિઝા પર ઓસ્ટ્રેલિયા આવેલી સ્ત્રીઓના અધિકારોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવાની ભલામણ કરવામાં આવી છે
જેમાં સમિતિએ "Woman at Risk in Australia" નામે નોન-ફેમિલી ટેમ્પરરી વિસા (Non-family Temporary Visa) કેટેગરી ઉભી કરવાની ભલામણ કરી છે.આ વિસા મહિલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, Dependent Visa પર આવેલી સ્ત્રીઓ અને Sponsored Visitor Visas પર ઓસ્ટ્રેલિયા બોલાવવામાં આવેલી સ્ત્રીઓને રક્ષણ આપશે.
Representational image of an Indian bride Source: Getty images
જેથી દહેજની માંગણી કે દહેજના કોઈપણ કારણસર આ વિસા ધરાવતી કોઈ સ્ત્રી ઘરેલું હિંસાનો ભોગ બને તો તેને પોતાના અને બાળકોના અન્ય વિસાની અરજી કરવાનો સમય મળે અથવા તે માદરે વતન પાછી ફરવા માંગતી હોય તો તેની વ્યવસ્થા કરવામાં આવે.
સેનેટર પ્રેટનું કહેવું છે કે, "ઓસ્ટ્રેલિયાનો વિસા પ્રોગ્રામ લોકોને કેવી રીતે જોખમમાં મુકે છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે."
તેમણે જણાવ્યું હતું કે, આ બધા કિસ્સામાં ભોગ બનનાર વ્યક્તિને પોતાના વતન પરત ફરવા મજબૂર કરાય છે અને કેટલીક વખત વ્યક્તિ સંબંધ તૂટ્યાં બાદ માનસિક રીતે તાણ અનુભવતી હોવાથી પોતાના પરિવારમાં પરત પણ ફરી શકતી નથી.સૂચિત કાયદાકીય ફેરફારો ઉપરાંત, સમિતિ કહે છે કે ઓસ્ટ્રેલિયન સરકારે ડેટા સંગ્રહણ પદ્ધતિઓ સુધારવા માટે રાજ્યો અને પ્રદેશો સાથે કામ કરવું આવશ્યક છે. જેથી ઓસ્ટ્રેલિયામાં દેહજ અને અન્ય આર્થિક સતામણીના બનાવોનું સાચું પ્રમાણ જાણી શકાય.
Representational image of an Indian bride having henna tatoo on her hand before the wedding. Source: Shutterstock
સરકારને સમિતીના કેટલાક સૂચનો
- દહેજના વિષય પર જાગરૂકતા વધારવા સંસ્થાઓ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ સાથે મળીને કામ કરે.
- તે તમામ પીડિતોને પૂરતી સુરક્ષા પૂરી પાડે.
- કુટુંબ હિંસાના સાંસ્કૃતિક-વિશિષ્ટ સ્વરૂપોને સમજવા માટે જરૂરી સેવાઓ વિકસાવે.
સ્ત્રીઓ દ્વારા દહેજના દુરપયોગના કિસ્સા
સમિતીએ પોતાના રીપોર્ટમાં સ્વિકાર્યું છે કે સ્ત્રીઓ દહેજનો ભોગ બની રહી છે તેના પુષ્કળ પુરાવા છે, જોકે, એવા પુરાવા પણ મળ્યા છે કે સ્ત્રીઓએ દહેજનો દુરુપયોગ કરીને તેમના પતિ કે ભૂતપૂર્વ પતિની સતામણી કરી હોય.
પ્રેટના જણાવ્યા પ્રમાણે, "ઓસ્ટ્રેલિયન સમાજમાં દહેજનો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યાના કિસ્સા પણ સામે આવ્યા છે. બંને બાજુએ દહેજનો ખોટી રીતે ઉપયોગ થયો હોવાથી એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કોઇ પણ પક્ષ દહેજનો ગેરફાયદો ન ઉઠાવે."
A woman protests the misuse of anti-dowry laws Source: Deepika Bharwaj
રિપોર્ટમાં ભારતનો ઉલ્લેખ
પોતાની વાતના સમર્થનમાં પ્રેટે ભારતનો દાખલો આપતા જણાવ્યું હતું કે દહેજ વિરોધી કાયદાઓ હોવા છતાં ભારતમાં દહેજનું દુષણ નાથવામાં ખાસ કોઈ મદદ મળી નથી.
કેટલીક વખત પુરુષોને દહેજપ્રથાના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યાના કિસ્સા પણ સામે આવ્યા હોવાથી બંને પક્ષના હિતનું ધ્યાન રાખીને યોગ્ય હલ શોધવામાં આવે તે જરૂરી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.