ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ પાર્ટીની સ્થાપના 1992માં થઇ હતી અને તે વર્તમાન સમયમાં દેશના રાજકારણમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઓળખાય છે. ગ્રીન્સ પાર્ટીની સફળતા પર્યાવરણવિદ અને પાર્ટીના ભૂતપૂર્વ વડા બોબ બ્રાઉનને આભારી છે.
ડો.બોબ બ્રાઉનનો જન્મ 27મી ડિસેમ્બર 1944ના રોજ ન્યૂ સાઉથ વેલ્સના ઓબેરોન ખાતે થયો હતો. તેમણે કેનબેરામાં ડોક્ટર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તેઓ લંડન ગયા અને અંતમાં તાસ્માનિયાના લોન્સેસ્ટનમાં ડોક્ટરનો વ્યવસાય કરવા ઉપરાંત રાજ્યની પર્યાવરણ અંગેની લડતમાં પણ પોતાનો ફાળો આપ્યો હતો.
1972માં તેઓ ઓસ્ટ્રેલિયાની પ્રથમ “ગ્રીન” – ધ યુનાઇટેડ તાસ્માનિયા ગ્રૂપના સભ્ય બન્યા હતા.
ડો બ્રાઉને તાસ્માનિયાની ફ્રેંકલિન નદી પર બનનારા ડેમના વિરોધ વખતે કરેલી ટીપ્પણી "Flooding the Franklin would be like putting a scratch across the Mona Lisa ચર્ચામાં રહી હતી.
રાજ્યો સુધી સિમીત ગ્રીન્સ પાર્ટીઓએ 1992માં કેન્દ્રીય રાજકારણમાં ઝંપલાવવા ઓસ્ટ્રેલિયન ગ્રીન્સની સ્થાપના કરી હતી.
1996માં ડો બ્રાઉન ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ ચળવળમાં ભાગ લેનારા ચોથા સાંસદ બન્યા અને તેના બે વર્ષ પછી તેઓ પાર્ટીના એકમાત્ર સાંસદ બનીને રહ્યા હતા.
છેલ્લા કેટલાક સમયમાં ઓસ્ટ્રેલિયન ડેમોક્રેટ્સને પાછળ રાખી લેબર અને લિબરલ બાદ ઓસ્ટ્રેલિયન ગ્રીન્સે ત્રીજી મોટી પાર્ટી તરીકે પોતાની ઓળખ સ્થાપી છે.
યુનિવર્સિટી ઓફ એડીલેડ ખાતે પોલિટીકલ પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થનારા, ક્લેમેન્ટ મેકિનટાયર જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ગ્રીન્સની સફળતા દેશના વોટર્સની પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા તથા નવી સદીમાં દેશના રાજકારણમાં આવેલા ઊતારચડાવને આભારી છે.
વર્ષ 2007માં ગ્રીન્સે 1 મિલિયનથી પણ વધારે વોટ્સ મેળવીને પાંચ સીટ મેળવી હતી. જ્યારે, 2010માં 1.6 મિલિયન વોટ્સ સાથે તેમણે સેનેટમાં છ સીટ જીતી હતી. તે સાથે જ અપર હાઉસમાં તેમનું પ્રતિનિધિત્વ 9 સુધી પહોંચ્યું હતું.
મેલ્બર્નના એડમ બેન્ડ્ટે સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવી ગ્રીન્સને હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં પ્રથમ સીટ અપાવી હતી.
પાર્ટીએ 2010માં લેબર સાથે જોડાણ કર્યું અને બંને પાર્ટીઓએ ત્યાર બાદ કેટલાક મુદ્દાઓ પર સહિયારું કાર્ય કર્યું હતું.
કેન્દ્રીય રાજકારણમાં ઓસ્ટ્રેલિયન ગ્રીન્સની 16 વર્ષ સુધી આગેવાની કર્યા બાદ સાંસદ બોબ બ્રાઉને એપ્રિલ 2012માં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ત્યાર બાદ સાંસદ ક્રિસ્ટીન મિલનેએ ગ્રીન્સની આગેવાની સંભાળી હતી. મિલનેએ તાસ્માનિયામાં પર્યાવરણ મુદ્દે થયેલી ચળવળમાં બ્રાઉન સાથે કાર્ય કર્યું હતું.
મિલનેની આગેવાની હેઠળ ગ્રીન્સે ઘણો વિકાસ કર્યો. જોકે, 2013માં પાર્ટીએ લેબર સાથેના ગઠબંધનનો અંત આણ્યો.
મિલનેએ પોતાના નિવેદનમાં લેબર પાર્ટી પર્યાવરણના મુદ્દાને ગંભીરતાથી નહીં લેવાનો આરોપ લગાવ્યો હતો.
વર્તમાન સમયમાં ગ્રીન્સ પાર્ટી રીચાર્ડ ડી નાટાલેની આગેવાની હેઠળ ચૂંટણી લડી રહી છે. સક્રીય રાજકારણમાં આવ્યા અગાઉ રીચાર્ડ નોધર્ન ટેરીટરીમાં એબઓરીજીનલ હેલ્થ ખાતે પબ્લિક હેલ્થ નિષ્ણાત તરીકે કાર્ય કરતા હતા.
ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ 9 કેન્દ્રીય સેનેટર્સ, 1 કેન્દ્રીય સાંસદ, 23 રાજ્યોના સાંસદ, અને ગ્રીન મેયર્સ સહિત 100થી વધારે ગ્રીન્સ કાઉન્સિલર્સ ધરાવે છે. પાર્ટીના જણાવ્યા પ્રમાણે તેમનો ઉદ્દેશ્ય આર્થિક અસમાનતા, જીવન-નિર્વાહ ખર્ચ, પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દે કાર્ય કરવાનો છે.
2019ની કેન્દ્રીય ચૂંટણી અગાઉ ગ્રીન્સના નેતા રીચાર્ડ ડી નાટાલે જણાવે છે કે લિબરલ ગઠબંધન કે લેબર - બંને પાર્ટીઓ ક્લાઇમેન્ટ ચેન્જને ગંભીરતાથી લેતી નથી. પરંતુ, ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો ગ્રીન્સ પાર્ટીની પ્રાથમિકતા છે.