1890માં આવેલી આર્થિક મંદી દરમિયાન ક્વિન્સલેન્ડના કામદારોએ નક્કી કર્યું કે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એક રાજકિય પક્ષની આવશક્યતા છે. અને તેના 9 વર્ષ બાદ 1899માં ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીએ ક્વિન્સલેન્ડમાં પોતાની પ્રથમ સરકારની રચના કરી અને 1901માં સંસદમાં પણ પોતાની પ્રથમ સીટ જીતી હતી.
વોટસન લેબર પાર્ટીના પ્રથમ વડાપ્રધાન
1904માં ક્રિસ વોટસન લેબર પાર્ટી તરફથી દેશના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા. જોકે, ચાર મહિના બાદ તેમણે પોતાનું વડાપ્રધાન પદ ત્યાગવું પડ્યું હતું અને સર જ્યોર્જ રેઇડે દેશની સત્તા સંભાળી હતી.
1910માં, લેબર પાર્ટીએ સંસદના બંને ગૃહોમાં પ્રથમ વખત બહુમતી સાથે સત્તા મેળવી હતી.
લેબર પાર્ટીના ગોફ વ્હીટલમની ગણના ઓસ્ટ્રેલિયાના પ્રભાવશાળી વડાપ્રધાનોમાં થાય છે. જોકે, 1975માં વિપક્ષના નેતા માલ્કમ ફ્રેઝરે તેમણે રજૂ કરેલા તમામ બજેટ પ્રસ્તાવને સંસદમાં અટકાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ગવર્નર જનરલ સર જોન કર વ્હીટલમને સરકાર રચવા આપેલું નિમંત્રણ પરત ખેંચી ફ્રેઝરને વચગાળાના વડાપ્રધાન જાહેર કર્યા હતા.
ત્યાર બાદ દેશમાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણીમાં લેબર પાર્ટીનો કારમો પરાજય થયો હતો અને લિબરલ પાર્ટીના ફ્રેઝર ફરીથી પ્રધાનમંત્રી બન્યા હતા.
બોબ હોક – સૌથી લાંબાગાળા માટેના લેબર પક્ષના પ્રધાનમંત્રી
ઓસ્ટ્રેલિયાના કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ બોબ હોક લેબર પાર્ટી તરફથી સૌથી લાંબાગાળા માટે પ્રધાનમંત્રી પદે રહ્યા છે. તેમના 1983થી 1991 સુધીના કાર્યકાળમાં નિયંત્રણ મુક્ત ઓસ્ટ્રેલિયન અર્થતંત્રની શરૂઆત થઇ હતી. દેશે મંદીના કારણે બેરોજગારીનો પણ સામનો કર્યો હતો.
પરંતુ બોબ હોકને અમેરિકા કપ યોટ રેસમાં ઓસ્ટ્રેલિયાના વિજય બાદ તેમણે આપેલા યાદગાર નિવેદન બદલ યાદ રખાશે.
નેતૃત્વ પડકાર સામે પદ ગુમાવ્યું
વર્ષ 1991માં, બોબ હોકને પક્ષના નેતૃત્વ માટે પડકાર ફેંકી વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા અને પક્ષના ટ્રેઝરર પોલ કીટીંગ ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી બન્યા હતા.
ત્યાર બાદ પોલ કીટીંગ 1993માં કેન્દ્રીય ચૂંટણીમાં વિજય મેળવીને બીજી વખત દેશનું વડાપ્રધાન પદ મેળવ્યું હતું. જોકે, 1996માં લિબરલ પાર્ટીએ વિજય મેળવતા લેબર પાર્ટીએ સત્તા ગુમાવવી પડી હતી.
2007માં લેબર સત્તામાં, કેવિન રડ પ્રધાનમંત્રી
વર્ષ 2007માં યોજાયેલી ચૂંટણીમાં લેબર પક્ષનો ભારે બહુમતીથી વિજય થયો અને કેવિન રડ દેશના પ્રધાનંત્રી બન્યા હતા.
સત્તામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી રુડે આદિજાતીના બાળકોને તેમના પરિવારથી બળજબરીપૂર્વક દૂર કરવાની સરકારની પોલિસી માટે માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્ટોલન જનરેશન (Stolen Generations) ના કારણે આદિજાતીના બાળકો તથા તેમના પરિવારજનોએ ઘણી તકલીફ વેઠવી પડી હતી. જેની હું માફી માગું છું.
કેવિન રડની માફીને ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં લોકોએ મોટી સ્ક્રીન પર નિહાળી હતી અને તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
પરંતુ, રડની સરકારને પણ નેતૃત્વના પડકારોનો સામનો કરવો પડ્યો
કેવિન રડને તેમના સહયોગી જુલિયા ગીલાર્ડ દ્વારા નેતૃત્વના પડકારનો સામનો કરવો પડી શકે તેવા અંદેશા બાદ તેમણે લેબર પાર્ટીના નેતા તથા દેશના પ્રધાનમંત્રી પદેથી જૂન 2010માં રાજીનામું આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી – જુલિયા ગીલાર્ડ
કેવિન રડ દ્વારા પ્રધાનમંત્રી પદ છોડ્યા બાદ જુલિયા ગીલાર્ડ ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી બન્યા હતા. તેમણે દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બનવાની ઉપલબ્ધિ મેળવી હતી.
જોકે, ગીલાર્ડને પણ તેમના કાર્યકાળ દરમિયાન કેવિન રડ અને તેમના સમર્થકો દ્વારા નેતૃત્વના પડકારોનો સતત સામનો કરવો પડ્યો હતો.
જૂન 2013માં કેવિન રુડે જુલિયા ગીલાર્ડના નેતૃત્વને પડકારી ફરીથી ઓસ્ટ્રેલિયાનું પ્રધાનમંત્રી પદ મેળવ્યું હતું પરંતુ તેઓ માત્ર ત્રણ મહિના માટે આ પદ પર રહી શક્યા હતા.
લેબર પાર્ટીના નેતૃત્વ પરિવર્તનમાં બિલ શોર્ટનની ભૂમિકા
લેબર પાર્ટીમાં કેવિન રડ તથા જુલિયા ગીલાર્ડ દ્વારા એકબીજાના નેતૃત્વને પડકારવાની ઘટનાઓ વખતે વિક્ટોરિયાના ભૂતપૂર્વ યુનિયન લીડર બિલ શોર્ટને મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમણે કેવિન રડને આપેલું સમર્થન પરત લઇ જુલિયા ગીલાર્ડને સમર્થન આપતા ગીલાર્ડ પ્રધાનમંત્રી બન્યા હતા. જોકે ત્યાર બાદ તેમણે ગીલાર્ડને આપેલો ટેકો પરત લઇ રડને સમર્થન આપ્યું હતું.
શોર્ટને પોતાના નિવદેનમાં જણાવ્યું હતું કે જુલિયા ગીલાર્ડે પોતાના કાર્યકાળમાં ઘણા સારા કાર્યો કર્યા છે અને મેં તેમને ત્રણ વર્ષ પહેલા સમર્થન આપ્યું હતું પરંતુ વર્તમાન પરિસ્થિતિ તથા દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને હું કેવિન રડને લેબર પાર્ટીની આગેવાની માટે સમર્થન કરું છું.
શોર્ટન હાલમાં લેબર પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયાના નેતા છે અને પક્ષ તેમની આગેવાનીમાં 18મી મેના રોજ ચૂંટણી લડશે.