ઓસ્ટ્રેલિયાનું ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય આગામી સમયમાં ડીજીટલ ડ્રાઇવર લાઇસન્સ દાખલ કરવા જઇ રહ્યું છે. અને, તેને લાગૂ કરાયા અગાઉ અત્યારે 14 હજાર જેટલા ડ્રાઇવર્સ પર તેનું પરીક્ષણ થઇ રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા બજેટમાં ટ્રેઝરર ડોમિનીક પેરોટ્ટેટે આ અંગે માહિતી આપી હતી.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના કસ્ટમર સર્વિસ મિનીસ્ટર વિક્ટર ડોમિનેલોએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કોઇ પણ વ્યક્તિના જીવનમાં સ્માર્ટફોન મહત્વું સ્થાન ધરાવે છે. અને નવી ટેક્નોલોજી ડ્રાઇવર્સને તેમનું લાઇસન્સ મોબાઇલ ફોનમાં જ રાખવાની તક આપશે.
ડીજીટલ ડ્રાઇવર્સ લાઇસન્સ સ્માર્ટફોનમાં Service NSW એપ્લિકેશનની મદદથી વાપરી શકાશે.
પ્લાસ્ટિક લાઇસન્સ કરતાં ડીજીટલ લાઇસન્સ વધુ સુરક્ષિત
ડીજીટલ લાઇસન્સ અંગે માહિતી આપતા મંત્રી વિક્ટર ડોમિનેલોએ જણાવ્યું હતું કે ડીજીટલ લાઇસન્સમાં સુરક્ષાના વધુ માપદંડો ઉમેરવામાં આવ્યા છે અને જેના કારણે ઓળખ સાથે થતી છેતરપીંડી અને અન્ય દુરપયોગ થતો અટકશે.
આ ઉપરાંત, નવા ડીજીટલ લાઇસન્સનો ઉપયોગ ઓળખપત્ર તરીકે અને ઉંમરની ચકાસણી માટે કરી શકાશે, બેન્ક, હોટલ, ટોબેકો - આલ્કોહોલનું વેચાણ કરતા બિઝનેસ પણ ડીજીટલ લાઇસન્સને સ્વીકારશે.
14 હજાર ડ્રાઇવર્સ પર પરીક્ષણ
ડીજીટલ લાઇસન્સ સંપૂર્ણપણે અસ્તિત્વમાં આવે તે પહેલા તેનું ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનમાં લગભગ 14 હજાર જેટલા ડ્રાઇવર્સ પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડુબ્બો, અલ્બરી અને સિડનીના પૂર્વીય વિસ્તારોના ડ્રાઇવર્સ હાલમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે.
મંત્રી ડોમિનેલોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ ડીજીટલ લાઇસન્સનું પરીક્ષણ જારી રહેશે અને સંપૂર્ણપણે સકારાત્મક અભિપ્રાય મળ્યા બાદ જ તેને રાજ્યવ્યાપી વપરાશ લાગૂ કરાશે.
જોકે, અત્યારે જે ડ્રાઇવર્સે ડીજીટલ લાઇસન્સના પરીક્ષણમાં ભાગ લીધો છે તેમણે તેમનું પ્લાસ્ટિકનું લાઇસન્સ પણ સાથે રાખવું પડશે. ડીજીટલ લાઇસન્સ કાયદેસર રીતે લાગૂ થયા બાદ જ ડ્રાઇવર્સ મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેનો ઉપયોગ કરી શકશે.
અન્ય રાજ્યોની સ્થિતિ
ક્વિન્સલેન્ડ રાજ્ય ડીજીટલ વોલેટ લાગૂ કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. જે અંતર્ગત શિખાઉ ડ્રાઇવર્સનું લાઇસન્સ, ફોટો ઓળખપત્ર, અને મરિન લાઇસન્સ માટે વપરાશે.
સાઉથ ઓસ્ટ્રેલિયાએ અગાઉથી જ દ્વારા ડીજીટલ ઓળખપત્રનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જે અંતર્ગત ડ્રાઇવર્સ, રીયલ એસ્ટેટ એજન્ટ્સ, ટ્રેડમાં કાર્ય કરતા લોકો અને વ્યક્તિગત બોટનું લાઇસન્સ ધરાવતા લોકો ડીજીટલ ઓળખપત્ર દર્શાવી શકે છે.
વિક્ટોરિયા આ ટેક્નોલોજી દ્વારા ઉંમરની ચકાસણી થઇ શકે તે માટેનું પરીક્ષણ વર્ષ 2017થી કરી રહ્યું છે પરંતુ હજી સુધી તેનો રાજ્યવ્યાપી ઉપયોગ શરૂ કર્યો નથી.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પણ આ પ્રકારનો વિચાર પ્રગટ કરવામાં આવ્યો હતો પરંતુ તેની પર હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.
તાસ્માનિયા અને નોધર્ન ટેરીટરીમાં પ્લાસ્ટિકના કાર્ડના બદલે ડીજીટલ લાઇસન્સના અમલ પર કોઇ વિચાર પ્રગટ કરવામાં આવ્યો નથી.