Minimum income limit revealed for sponsors of temporary parent visa

ઓસ્ટ્રેલિયન સરકારે નવા સ્પોન્સર્ડ વિસા અમલમાં મૂકવાની જાહેરાત કરી છે પરંતુ સરકારે નક્કી કરેલી સ્પોન્સર્સની લઘુત્તમ આવક હેઠળ જે માઇગ્રન્ટ્સની ઓછામાં ઓછી વાર્ષિક આવક 83,454.80 ઓસ્ટ્રેલિયન ડોલર હશે તે જ આ વિસા શ્રેણી હેઠળ અરજી કરી શકશે.

Parent Visa

Source: Getty Images/ Pixabay/ Home Affairs/ SBS

ઓસ્ટ્રેલિયન સરકારે નવા સ્પોન્સર્ડ પેરેન્ટ્સ વિસા (subclass 870 Sponsored Parent visa) જાહેર કર્યા છે. જે અંતર્ગત જે ઓસ્ટ્રેલિયન નાગરિક કે ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્ટ પોતાના પેરેન્ટ્સને લાંબા સમય માટે ઓસ્ટ્રેલિયા બોલાવવા માંગતા હશે તેઓ આ વિસા હેઠળ એપ્લિકેશન કરી શકે છે.

સ્પોન્સર્ડ પેરેન્ટ્સ વિસા માટેની અરજીઓ 17મી એપ્રિલ 2019થી શરૂ થઇ રહી છે અને આ વિસા પેરેન્ટ્સને પોતાના સ્પોન્સર પુત્ર કે પુત્રી સાથે ઓસ્ટ્રેલિયામાં 10 વર્ષ સુધી રહેવાની મંજૂરી આપશે.

જોકે, તે માટે સ્પોન્સર્સે પોતાની ચોક્કસ વાર્ષિક આવક દર્શાવવી પડશે અને ત્યાર બાદ જ તે માતા-પિતાને સ્પોન્સર્ડ પેરેન્ટ્સ વિસા અંતર્ગત ઓસ્ટ્રેલિયા બોલાવી શકશે.

Image

ઓસ્ટ્રેલિયન સરકારે વાર્ષિક આવક નક્કી કરી

જે માઇગ્રન્ટ્સ માતા-પિતાને Subclass 870 હેઠળ 10 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયા બોલાવવા માંગતા હશે તેમની ઓછામાં ઓછી વાર્ષિક આવક 83,454.80 ઓસ્ટ્રેલિયન ડોલર હોવી જોઇશે.

એટલે કે, પતિ અને પત્ની બંનેની કુલ અઠવાડિક આવક 1604.90 ઓસ્ટ્રેલિયન ડોલર અને વાર્ષિક આવક 83,454.80 ઓસ્ટ્રેલિયન ડોલર કે તેથી વધારે હશે તે માઇગ્રન્ટ્સ જ આ વિસા શ્રેણી હેઠળ માતા-પિતાને સ્પોન્સર કરી શકશે.

15 હજાર વિસા મંજૂર કરાશે

ઓસ્ટ્રેલિયન સરકાર પેરેન્ટ્સ વિસા હેઠળ દર વર્ષે 1 જુલાઇથી 30મી જૂન સુધી આશરે 15,000 જેટલા વિસા મંજૂર કરશે તેવી જાહેરાત કરી છે અને જો વર્ષ પૂરું થાય તે પહેલા જ 15,000 વિસા મંજૂર થઇ જશે તો ત્યાર બાદ નવી વિસા અરજી મંગાવાશે નહીં અને નવી શ્રેણી આગામી 1લી જુલાઇથી શરૂ કરાશે.

કોણ સ્પોન્સર કરી શકશે

ઓસ્ટ્રેલિયન નાગરિક, ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્ટ અથવા ન્યૂઝીલેન્ડના નાગરિકત્વની લાયકાત ધરાવનાર વ્યક્તિ આ વિસા શ્રેણી હેઠળ પોતાના માતા-પિતા કે સાવકા માતા-પિતાને સ્પોન્સર કરી શકશે.

ત્રણ વર્ષ સુધીના વિસાની ફી 5000 ઓસ્ટ્રેલિયન ડોલર નક્કી કરાઇ છે જ્યારે 5 વર્ષના વિસા માટે 10,000 ઓસ્ટ્રેલિયન ડોલર ભરવા પડશે.

Share
2 min read
Published 8 April 2019 3:51pm
Updated 15 April 2019 1:49pm
By Vatsal Patel


Share this with family and friends